Monday, June 3, 2013

કાગળ ની હોડી


હમણાં તો ધર્યું છે કાગળની હોડીનું રૂપ.
              આ રૂપને માણી તો લેવા દો મને....

છો દિશાહિન હોઉં, વહી જતી હું આમથી તેમ,
     ક્યારે પાંદડાઓ સાથે વ્હેતી,
     ક્યારે પત્થર પરથી સરી જતી.
              કોણ દોરી જાય છે? પૂછશો નહિ,
              ક્યાં જાઉં છું? ખબર નથી,
મારી આ સફરનો આનંદ તો લેવા દો મને.....

નીરખે છે કેટલીયે આંખો મને,
      હસતી, રમતી, મલકતી આંખો,
      જાણે કેમ કરી હસે છે મને જોઇને?
              મારું આ રૂપ શું એટલું હસાવે છે એમને?
ભલે હસતી, હસી તો લેવા દો એમને....

પાણીની સપાટી પર તરતા, તરતા, ડૂબી જઈશ,
      એ તો નક્કી જ છે.
      આશ્ચર્ય તો એ છે કે એમાં તોફાનની પણ જરૂર નથી.
જ્યાં સુધી તરુ છુ, તરી તો લેવા દો મને....

ડૂબવું હશે ત્યારે ડૂબી જઈશ,
      એજ પાણીમાં જેના પર તરી હતી હું ક્યારેક,
      વિલીન થઇ જઈશ ને રહી જશે કેવળ એક ભીનો કાગળ,
               એ કાગળ જે કદી બીજી હોડી નહિ બને,
               ભીંજાવાની પણ કેટલી મજા છે,
એ તો જોવા દો મને.....


© 2012 Abhijit Pandit